સુરેન્દ્રનગરમાં નવા બનેલ ઓવરબ્રિજનું *પ.પૂ. ષષ્ઠપ્રજ્ઞ સ્વામી મહારાજ ઓવરબ્રિજ* નામકરણ કરાયું.શ્રી વડવાળા મંદિર દૂધરેજધામના આદ્યસ્થાપક મહંત શ્રી પરમ પૂજ્ય ષષ્ટપ્રજ્ઞ સ્વામીજી મહારાજ એટલે પૂર્વાશ્રમના રાજકુંવર સામંતસિંહજી ઝાલા. ઝીંઝુવાડા રાજવંશના રાજવી શ્રી યોગરાજસિંહજી મહારાજ અને મહારાણી શ્રી ગંગાદેવીના કુંવર સામંતસિંહજીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ગુરુની આજ્ઞાથી દૂધરેજ ગામે સનાતન ધર્મની ધજા ફરકાવી. જન્મે ક્ષત્રિય, કર્મે સાધુ, અને રબારી સમાજના સદગુરુ એમ શૌર્ય, ક્ષમા અને શીલનો ત્રિવેણી સંગમ એટલે ષષ્ટપ્રજ્ઞ સ્વામી મહારાજ. જેમ ઓવરબ્રિજ ત્રિપાંખિયો છે તેમ આવા પરમ સંતની કૃપાથી લોકોના ત્રિવિધ તાપ દૂર થાય, સમાજમાં શાંતિ, એકતા અને સૌહાર્દ સ્થપાય એવા આશયથી આ નામાભિધાન ઉત્તમોત્તમ બની રહેશે. આજે દુધરેજ ધામ દરેક સમાજની આસ્થાનું અને સમરસતાનું પ્રતીક બન્યું છે ત્યારે સુરેન્દ્રનગરની ગુણગ્રાહી પ્રજા આ નિર્ણયને હરખોલ્લાસથી વધાવે છે.
Amarsibhai Khambhaliya